Sunday, September 2, 2018

શામળાજી - (Shamalaaji)




        દ્વ્રારકા – ડાકોર - શામળાજી એ ત્રણ વિષ્ણુમંદિરોવાળાં ગુજરાતમાં ઉત્તમ તીર્થો જ નહીં પણ ઉત્તમ દેવાલયો પણ ખરાં. ત્રણે ખૂબ વિશાળ મંદિરો. પોતપોતાની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે નમૂનેદાર. તેમાંય શામળાજીનું મંદિર તો શિલ્પસૌંદર્યની ર્દષ્ટિએ અસાધારણ અવલોકનીય છે. દ્વ્રારકાને સમુદ્રતટનું સાંનિધ્ય મળ્યું છે તો શામળાજીને ડુંગરાનું, અરણ્યનું અને બાજુમાં વહેતી મેશ્વોનો સૌંદર્ય સાંપડ્યું છે. વળી મંદિરની પાછળ ડુંગરાઓમાં કુદરતી સાંનિધ્ય વચ્ચે વિકસ્યું છે શ્યામસરોવર, મેશ્વો બંધ દ્વ્રારા નિર્મિત આ જલાગાર આ સ્થાનનાં સૌંદર્ય અને આકર્ષણોમાં ઓર વધારો કરે છે.

 ->    ગુજરાતના શિલ્પસ્થાપત્યની ર્દષ્ટિએ આ વૈષ્ણવવોના તીર્થનું રાજ્યનાં મહત્વનાં સ્થાનોમાં આગવું સ્થાન છે. કાર્તિકી પૂર્ણિમાએ અહીં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ તસવીરકારોને આકર્ષે છે.
                                       
->  શામળાજી અત્યંત રળિયામણું સ્થળ છે અને તેના મંદિરની અતિસુંદર શિલ્પસ્થાપત્યયુક્ત રચનાઓમાં ગદાધરની મનોહર મૂર્તિ ખૂબ જ આકર્ષક છે. ગુજરાતના સીમાડે લગભગ મેવાડની ધાર પર આવેલા આ સ્થાનને તેની પ્રાચીન ઐતિહાસિકતાનો વારસો છે. મોટા માપની આમતેમ પડેલી ઈંટો અને ટીંબા, ઠેર ઠેર જૂનાં નાનાં-મોટાં દેવાલયનો અવશેષો તથા હરિશ્ચંદ્રની ચોરી, ત્રિલોકીનાથ, રણછોડરાયજી અને કાશીવિશ્વનાથનાં મંદિરો ઉપરાંત કર્માબાઈનું તળાવ અહીંના જૂના-નવા ઈતિહાસને સાચવી રહ્યાં છે. તેમાં કદાચ સૌથી વધુ નોંધપાત્ર છે  એક નાનકડા દેરામાં મૂકાયેલી-સ્થાનિક ગ્રામજનો દ્વ્રારા ‘કળશી છોકરાંની માને નામ ઓળખાતી મહાવિષ્ણુની મૂર્તિ . એના મુગટરૂપ પરિક્રમાં ચોવીસ અવતારો કોતરાયા છે.

->  હવે શ્યામસરોવરમાં ડૂબી ગયેલી જગામાંથી મળી આવેલી ઈંટેરી સ્તૂપ અને બે વિહારો ક્ષત્રપકાલીન મનાય છે. તદુપરાંત પણ મળતાં નાના-મોટા સ્તૂપ-વિહારોના અવશેષો આ સ્થાનને બૌદ્ધયુગનું મહત્વનું કેન્દ્ર સૂચવે છે.


“ઊંચા નીચા ડુંગરા, વચમાં ધોરી ધાર

ધારે બેઠો મારો શામળિયો, મારો તીરથ-તારણહાર.” 

->  અર્વાચીનકાળમાં અહીં ઉમેરાયાં છે આદિવાસીઓની કેળવણી માટેની સુંદર આશ્રમશાળા અને મેશ્વો પરનો બંધ. પણ અહીંનું મૂળ સ્થાન તો છે ભગવાન ગદાધરનું મંદિર જે મોટા હાથીઓવાળા દરવાજામાં દાખલ થતાં જ સામે વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તતલ દેવાલયરૂપે દેખાય છે. મંદિરની પ્રાચીનતા વિશે મતભેદો પ્રવર્તે છે, પણ તે બહુધા ૪૦૦ થી ૫૦૦ પહેલાનાં અરસામાં બંધાયું હોવાનો અભિપ્રાય છે.  


->   ગુજરાતમાં પંદરમી સદી પછી બંધાયેલા મંદિરોમાં કદાચ આ સર્વોત્તમ છે. હાલમાં મંદિરનો જીોર્ણધ્દ્વ્રાર કરવામાં પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ અને સૌંદર્ય જાળવવાની કાળજી લેવાઈ છે. ખંડિત શિલ્પોને સ્થાને નવાં ઉમેરવામાં આવ્યાં છે, પણ તે મૂળને અનુરૂપ જ હોય તેનો ખ્યાલ રખાયો છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય-શૈલી જળવાયેલી છે. આ ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે. ગજથર અને ઉપર તોરણવાળાં મુખ્ય પ્રવેશદ્વ્રાર સામે જ મંદિરનાં મુખ્ય પગથિયાં-પ્રવેશદ્વ્રાર-સભાખંડ સામે જ ગર્ભદ્વ્રાર અને સામે છે. સભામંડપ, અંતરાલ અને ગર્ભદ્વ્રાર એવા ત્રણ ભાગમાં મંદિર વહેંચાયેલું છે.    

                                     

->   અંદરની દીવાલો ઓછાં શિલ્પવાળી છે. થાંભલા ક્યાંક ઓછા શણગારવાળા પણ મુખ્યત્વે અંદરનો ભાગ અલ્પ ભૂમિતળથી ઉપર સુધીના વિવિધ કંદોરા અને સ્તરો અત્યંત શિલ્પરચિત અને કલામય છે.
->  અંદરના સ્તંભો નીચેની ઉપર ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે ને ઉપર ફૂલવેલ જેવી આકૃતિઓ મળે છે. પણ બહારની ચોમેરની દીવાલો તો દેવદેવીઓની મૂર્તિઓ, માનવની-અનેક પ્રાણીઓ તથા ભૌમિતિક ફૂલવેલની આકૃતિઓથી ખચિત છે. આમાં ખાસ નોંધપાત્ર છે શિલ્પશ્રેણીઓમાં રજૂ થયેલ ‘મહાભારત, ‘રામાયણ અને ‘ભાગવાત’ના પ્રસંગો તેમ જ પુરાણવર્ણિત લીલાઓ. ચોપાસ દિશાઓના ગોખમાં શાસ્ત્રોક્ત પરંપરા જાળવીને ઈન્દ્ર અગ્નિ, વરુણ, શિવ,ગણેશ, વાયુ તેમ જ સરસ્વતી, ચંદ્રિકા, ઈન્દ્રાણી વગેરેની પ્રતિમાઓ છે. કુબેરનું શિલ્પ નોધપાત્ર છે. ઉપર જતાં નાના થતા જતાને છેલ્લે તો છેક જ નાના-પ્રવેશ ન થઈ શકે તેવા માળ પર માળથી રચાયેલા આ સપ્તપ્રાસાદ સમા દેવાલયનું શિખર વિશાળ છે. તેને ત્રણ ઉરુશૃંગો છે. શિખરના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે. 


->  મંદિરમાં તાંબાના પતરા પર કોતરેલા બે લેખો મળ્યા છે. તે પરથી ૧૭૬૨માં થયેલ જીર્ણોધ્દ્વારથી નોંધની જાણ થાય છે. ઉપરાંત તે લેખો પરથી એવું જણાય છે કે મૂળે આ મંદિર હલધર બલરામજીનું હતું. તેમાં ત્રિવિક્રમ સ્વરૂપની કૃષ્ણ-શામળાજીની મૂર્તિ કદાચ પાછળથી પધરાવી હશે. પણ આજની દેવ ગદાધરની મૂર્તિ ડાકોરના રણછોડજીના સ્વરૂપની શોભાની યાદ આપે તેવી મનોહારી છે. કાળા આરસમાંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુપ્રતિમા લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઊંચી છે. તેની સામે જ કાળા પથ્થરની અંજલિમુદ્રાયુક્ત માનવકૃતિ  ગરુડની કાળા આરસની અત્યંત સુંદર મૂર્તિ છે.

->   હિંમતનગરથી ઉદેપુર રેલવેલાઈનના લગભગ ૮ કિ.મી. દૂરના સ્ટેશન શામળાજી રોડની સુવિધાવાળું આ સ્થાન ગુજરાતનાં પવિત્ર તેમ જ ઐતિહાસિક ઉપરાંત અત્યંત રમણીય સ્થાનોમાંનુંને વળી અસાધારણ શિલ્પસૌંદર્યમંડિત મંદિરવાળું અનેક પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની ગયું છે. કાર્તિકમાસમાં અહીં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતના સૌથી મોટાને જાણીતા મેળામાંનો એક છે. તે વખતે ‘શામળાજીને મેળે રણઝણિયું વાગે ગાતાને નાચતા આદિવાસીઓના ઉમંગમાં સામેલ થવા જેવું છે. મેળામાં માનવહ્યદયમાં ભક્તિના પડઘા પડે છે. અસંખ્ય યાત્રાળુઓના કંઠમાંથી ‘શામળિયા લાલકી જયના નાદ સંભળાય છે. યાત્રાધામ શામળાજી ખરેખર જોવા અને મહાલવા જેવું તીર્થસ્થળ છે. સાબરકાંઠાના છેવાડાના ભાગે આવેલ મનોહર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું આ તીર્થસ્થાન શામળાજી ગુજરાતનું ગૌરવ છે.          

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...