Tuesday, July 31, 2018

કીર્તિ તોરણ – વડનગર (Kirti Toran - Vadanagar)


        તોરણ સ્થાપત્ય એ પ્રાચીન બૌદ્ધસ્તૂપોમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરવાના હેતુથી સર્જાયા હતા. પ્રવેશની દિશા  નક્કી કરતાં આવાં તોરણો (દયારો) પહેલાં લાકડાના બનાવવાની પ્રથા હતી. પછી તે પથ્થરના બનવા લાગ્યાં. પથ્થરના બે સ્તંભપર કમાન જેવી રચના કરીને આ તોરણો બનતાં. હિન્દુ સ્થાપત્યમાં પ્રવેશદ્વાર ઉપરાંત વિજયના સંભારણા તરીકે પણ તોરણ બનાવતા હતા. ઇસુની પૂર્વેની પેલી સદીમાં ઉતરાર્ધમાં બનેલા સાંચીના સ્તૂપ તોરણો તેના સૌથી પ્રાચીન હયાત નમૂના છે.
        એક અત્યંત સુંદર અને કલાત્મક તોરણ મહેસાણા જિલ્લાના વડનગર ગામે આવેલું છે. વડનગરના આ તોરણને “શૌર્ય તોરણ” પણ કહેવામા આવે છે.

        વડનગરનું વિશાળ શર્મિષ્ટા તળાવ અનેક ઓવારવાળું અને પથ્થરબંધ છે. ત્યાથી થોડે દૂર શામળશાની છોટી નામે ઓળખાતા બે તોરણો છે. સોલંકીયુગના સુંદર તોરણોમાં અવશિષ્ટ રહેલા તોરણોમાં આ તોરણો સારી હાલતમાં છે.

       વડનગર એ વાદનગરા નાગરોનું કેંદ્રસ્થાન વડનગર એ નાગરોનું આદયસ્થાન ગણાય છે. અહીંથી જ નાગરો વિવિધ સ્થળોએ વિસ્તર્યા, પુરાણકાળમાં આ પ્રદેશ આનર્ત કહેવાતો હતો. વડનગરને આનર્તપૂર, આનંદપુર, ચમત્કારપુર એવા નામે પણ ઓળખવામાં આવ્યું છે. એક કાલે તે પ્રદેશની રાજધાની હતું. સમૃદ્ધિ ઉપરાંત વિદ્ધતાં, કળા ખાસ કરીને નૃત્ય અને સંગીત માટે તે વિખ્યાત હતું. 

        વડનગરમાં આવેલું તોરણ ભારતપ્રસિદ્ધ છે. વડનગર શહેરની શોભારૂપ ત્યાના તોરણ નામે ઓળખાતું બાંધકામ જાણીતું છે. તેને વડનગરનું તોરણ કહે છે. સરકારે આ સ્મારકને આરક્ષિત જાહેર કર્યું છે. તે સ્મારકનું ચિત્ર સરકારના ઘણા પુસ્તકોમાં જોવા મળે છે. તેના પથ્થર પરની બારીક કોતરણી જોવાલાયક છે. 

        લગભગ ૧૩ મીટરની ઊંચાઈ ધરાવતું કીર્તિતોરણ દુનિયામાં એક અલગ અને અનેરી ભાત પાડે છે. અદભૂત શિલ્પ સ્થાપત્યની દુનિયામાં કોઈપણ જાતના ટેકા વિના કે રક્ષણ સિવાય સૌકાઓ વીતી ગયા છતાં અડીખમ ઉભેલા સોલંકીયુગના તોરણો વિશ્વવિખ્યાત બની ગયા છે. આ તોરણો ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક સમાન છે. 

        વડનગરમાં બે તોરણ છે. એમાનું એક મૂલસ્થિતિમાં ઊભું છે બીજાનો ભાગ નીચે પડેલો છે. બને કદમાં અને કારીગરમાં સરખા છે. તોરણના સ્તંભ ઘણા ઊંચા છે. અને એના રંગ અને અંગ વિવિધ આકારના અને વિવિધ સંશોધનવાળા છે. એના રમણીયસરાની અંદરની બાજુએ મકરની આકૃતિ કાઢેલી છે અને એના મુખમાંથી અંદરની અર્ધવૃતાકાર કમાનનો એક છેડો નીકળતો બતાવ્યો છે.  મોટા સ્તંભના સરા ઉપર નાના સ્તંભ અને એના સરા ઉપરપાટડો ટેકવેલો છે. આ પાતડા ઉપર ત્રિકોણાકાર કમાન છે. આ કમાનની અંદર બે નાના સ્તંભ ગોઠવી ત્રણ ઊભા ખાના પાડેલા છે અને એની અંદરની ગણેશ, કાર્તિકેય વગેરેની મૂર્તિઓ મૂકેલી છે. 

        કીર્તિસ્તંભ રાતા અને પીળા પથ્થરમાંથી બનાવેલો છે. અને તેમાં કલાકારીગરી ભરપૂર ઝીણવટપૂર્વક ઉતમ પ્રકારનું કોતરાણીકામ કરવામાં આવ્યું છે. થાંભલાઓ સુંદર વેલીઓની કોતરણીથી શોભાવાયો છે. સ્તંભની કુંભીમાં ગજરાજ હાથીઓની હાર કોતરેલી છે. તેમાં વાનરોને વિવિધ મુદ્રામાં ચીતર્યા છે, અને સૌથી મોખરે બ્રહ્માને તેમના વાહન હંસ સહિત કોતર્યા છે.

        વડનગરના કીર્તિતોરણનું શિલ્પકામ અને સજાવટ સિદ્ધપૂરના રુદ્રમહાલયના કોતરકામને મળતું આવે છે. જેમ્સ ફર્યુસન પોતાના પ્રાચીન કલા નામના પુસ્તકમાં લખે છે કે, ગુજરાતની શિલ્પકલા પ્રાચીન કીર્તિસ્તંભો ઉપરથી જાણી શકાય છે. બેમાંથી એક જૂનું તોરણ તૂટેલી હાલતમાં હતું અને તેને પુરાતત્વ વિભાગે પ્રાચીન શૈલી પ્રમાણે તૈયાર કરાવ્યુ છે. 

        આ બંને તોરણોને ગામના લોકો ચોરિયો એટલે કે, લગ્નપ્રસંગે તૈયાર કરાતી ચોરી માટેના મંડપ અને એ રીતે પણ ઓળખે છે. ભાવનગરના પ્રખ્યાત ભક્તરાજ નરસિંહ મહેતાના પુત્ર શામળદાસના લગ્ન અહીં થયા હતા અને આ તેમના લગ્નની ચોરીયો છે, એવિ કથા પ્રચલિત છે. જો કે, આ દંતકથાનો કોઈ આધાર નથી ? કેમ કે, શામળદાસનું વડનગર નામના ગામે થયું હતું તે વાત સાચી પરંતુ તે વડનગર બીજું. શામળદાસનું લગ્ન સૌરાસ્ટ્રમાં કોડીનાર નજીક વડનગર ખાતે થયેલું હતું તેવું મણિશંકર પિંતાંબરદાસ મહેતાએ સંશોધન કરીને જણાવ્યુ છે. 

        આમ, ઉતર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનાં આવેલ ઐતિહાસિક કીર્તિ તોરણનો પ્રવાસન સ્થળોની વિરાસતને સમજવા, જાણવા તેમજ ટકાવવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.  
  
              

1 comment:

  1. ક્યાં રાજાએ બંધાવેલ છે

    ReplyDelete

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...