Friday, August 24, 2018

શૈવ સંપ્રદાયના પ્રવાસના સ્થળો - પ્રભાસ-પાટણ - સોમનાથ (Somanath)


       હિન્દુ ધર્મનાં પ્રખ્યાત અને મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવને માનવામાં આવે છે ભગવાન બ્રહ્માને સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. જયારે ભગવાન ભોળાનાથ શિવને સૃષ્ટિના તારણહાર દેવ તરીકે તેનું પૂજન થાય છે. આ માટે દરેક જીવ ભગવાન શિવની  આરાધના કરતો હોય છે. આ માટે ભગવાન શિવની લિંગની પૂજા થાય છે. આ માટે કોઈ એવું ગામ કે શહેર નહિ હોય જ્યાં ભગવાન શિવનું  મંદિર નહિ હોય. શૈવધર્મનાં અનેક મંદિરો ગુજરાતમાં આવેલા છે. જેમાં સોમનાથ અને નાગેશ્વર દ્વાદશ જ્યોતિલિંગમાં તેનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિરે શ્રાવણ માસનાં પવિત્ર સોમવારે વિવધ પુષ્પો, બિલ્વપત્ર. ત્રિશુલ, પુષ્પ-ચંદન, સર્પ-શણગાર અને પીતાંબરનો અનેરો શ્રુંગાર કરવામાં આવે છે.

    પ્રભાસ-પાટણ: સોમનાથ:-

     અહીંથી કાંઠેકાંઠેય જવું હોય તો પશ્ચિમ તરફ જઈએ સુવિખ્યાત ધાર્મિક તેમજ ઐતિહાસિક ક્ષેત્ર–પ્રભાસપાટણ.

->    દેશના અતિપવિત્ર બાર જ્યોતિલિઁગોમાંના એક એવા સોમનાથ મહાદેવનું પ્રત્યેક હિન્દુનાં હ્યદયમાં વિશિષ્ટ સ્થાન છે. પ્રભાસપાટણ સોમનાથ–પાટણ તરીકે જાણીતું છે. ‘મહાભારતમાં બે સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે: દ્વ્રારકા અને પ્રભાસને ત્યાં પણ પ્રભાસને તીર્થક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે. પાછળથી રચાયેલા ‘શાકુંતલ’ નાટકમાં પણ કવિ કાલિદાસે કણ્વઋષિને, શકુંતલાના ભાગ્યમાં રહેલા દુરિતને દૂર કરવા પ્રભાસ મોકલ્યા છે. અને ચંદ્રતીર્થ પણ કહેવાય છે, કારણ કે પુરાણો પ્રમાણે આ સ્થાનનું મહાત્મ્ય ચંદ્રે અહીં તપશ્ચર્યા કરીને શાપમોચન પ્રાપ્ત કર્યું ત્યારથી.

->  સોમનાથનું મંદિર તો ભારતની સાંસ્કૃતિક ચેતનના ખંડન અને તેની પુનઃજાગૃતિના સનાતન ઈતિહાસનું પ્રતીક છે. ક.મા.મુનશી તેમના ‘સોમનાથનાં મંદિર વિશેના પુસ્તકમાં જણાવે છે તેમ, આ મંદિર સાત વાર બંધાયું છે. પ્રથમ ચંદ્રે રજતનું. ત્યારબાદ રાવણે તેનું પુનઃનિર્માણ ચાંદીમાં અને  શ્રીકૃષ્ણે સુખડનુંને પછીના ઈતિહાસકાળમાં તે લાકડાનુંને પછી પથ્થરનું બંધાવ્યું જે તૂટતું–બંધાતું ગયું. આમાં મહંમદ ગઝનીએ કરેલા વિનાશની અને પછી અલાઉદ્દીન ખિલજીએ કરેલા સોમનાથધ્વંની કથાઓ જાણીતી છે.
->  ભીમદેવ સોલંકીએ બંધાવેલું મંદિર બાદમાં કુમારપાળે પણ બંધાવેલું અને તેના અનેક અવશેષો મળે છે. આ અવશેષો એકઠા કરી અત્યારે મુખ્ય મંદિર નજીકના એક જૂના સૂર્યમંદિરમાં મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યા છે.

->   જૂનાં વર્ણનો પ્રમાણે આ મંદિર વિરાટ પ્રાસાદ હતું. તેમાં સોનાની સાંકળે અસંખ્ય ઘંટ લટકતા, રત્નજડિત દીવીઓમાં સુગંધી દ્રવ્યોના દીવ બળતા–તેમાં સોને–રૂપે–રત્ને મઢાયાં સ્તંભો અને દ્વ્ર્રાર હતાં. પૌરાણિક સમયમાં આ મંદિર એટલું સમુદ્ધ હતું કે અહીં  ૩૦૦ સંગીતકારો અને ૫૦૦ નૃત્યાંગનાઓ વસતા અને યાત્રાળુઓની હજામત કરવા ૩૦૦ હજામો રહેતા. પ્રભાસ ખંડના પ્રકરણ સ્કંદ પુરાણમાં સોમનાથનું વર્ણન છે. માન્યતા અનુસાર, સોમનાથ ખાતે ભગવાન શિવ મૃત્યુંજ્ય, કાલગ્નિરુદ્ર, અમૃતેસ, અનામય, કૃતવસા અને ભૈરવનાથ તરીકે ઓળખાતા. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. તેના પાયામાં એક પછી એક બંધાતાં ગયેલા મંદિરોના પુરાવા છે. ૧૯૫૧માં તેના બાંધકામના શેષભાગને ઉતારીને સંગ્રહાલયમાં રક્ષવામાં આવેલ છે. આ સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવાં બાર જ્યોતિલિઁગોમાનું એક હોવાથી–ને તે પણ પ્રથમ ગણાતું હોવાથી શૈવ સંપ્રદાય માટે તેનું ધાર્મિક મહત્વ ઘણું જ છે.

->   છેક દરિયાકાંઠે આવેલા આ મંદિરનું સ્થાન ખૂબ જ રમણીય છે. સોમનાથનો ધ્વંસ કરવા બેગડો ચઢી આવ્યો ત્યારે સોમનાથની સખાતે આવેલા સૌરાષ્ટ્રના રાજવી વીરોના અગ્રણી હમીરજી ગોહિલે સોમનાથનું રક્ષણ કરતાં કરતાં સોમનાથના પ્રાંગણમાં જ વીરમૃત્યુ વહોર્યું હતું. તેમની ખાંભી તરીકે તેમનું નાનકડું દેવળ સોમનાથના પ્રાંગણમાં છે. કવિ ક્લાપીએ ‘હમીરજી ગોહિલ એ કાવ્યમાં હમીરજીની વીરગાથા સરસ રીતે ગાઈ છે. મંદિરના પ્રાંગણની સમુદ્ર તરફની પાળે બેસીને નીચે ઘૂઘવા તો સમુદ્ર તો જોવો ગમે જ, પણ તે સાથે એ પાળ પર એક દીપસ્તંભ બનાવ્યો છે તે પણ જોવા જેવો છે. આ પથ્થરના સ્તંભ પર દીવો કરવામાં આવે છે. સ્તંભની ટોચે આડા મૂકેલા શંખની આકૃતિ છે. શંખનું મુખ મંદિર તરફ અને અણી સમુદ્ર તરફ છે. તે શંખ એવી રીતે ગોઠવાયો છે કે તે અણીથી સીધી લીટી દોરીએ તો તે દક્ષિણ ધ્રુવ સમુદ્ર પર જ જાય–વચમાં ક્યાંય ભૂમિ ન આવે. સોમનાથના સ્થાનનું આ મહત્વ છે. મંદિરના ચોગાનની બહાર ગામ છે. ગામમાં બીજાં મંદિરો પણ છે. તેમાં જૂના સોમનાથનું મંદિર નોંધપાત્ર છે. સ્થાનિક લોકો કહે કહે છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજી સોમનાથનો ધ્વંસ કરવા આવ્યો ત્યારે મૂળ શિવલિંગ માનીને તેનાં દર્શન કરેલાં. શ્રી ક.મા.મુનશીએ પોતાની નવલકથા ‘ભગ્ન પદુકામાંમાં શિવલિંગ ઉપાડવાનો પ્રયત્ન કરતા પૂજારીનો અછડતો ઉલ્લે કર્યો છે. ગામમાં ઉતારા માટે મોટી ધર્મશાળા છે. ગામના કોટની બહાર ઈતિહાસકાળનાં યુદ્ધોના અવશેષરૂપ કબ્રસ્તાન તથા યાદવાસ્થળીની જગ્યા સ્થાનિક લોકો પ્રવાસીઓને બતાવે છે. ગામમાં પુરાણા ઐતિહાસિક અવશેષો, મંદિરો, શિલાલેખ વગેરે તેમ જ કુમારપાળે બંધાવેલું જૈન મંદિર. જોવાલાયક છે.
 
->   ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતના આ પુરાણપ્રસિદ્ધ મહાતીર્થની ભવ્યતા તેમ જ તેના ઈતિહાસે અનેક કથાકારોને પ્રેર્યા છે. ગુજરાતીમાં ઠક્કર નારાયણ વસનજી, ઉપરાંત ક.મા.મુનશી, ધૂમકેતુ, ચૂનીલાલ મડિયા અને રઘુવીર ચૌધરી તથા હિન્દીમાં આચાર્ય ચતુરસેન શાસ્ત્રીએ ગઝનીના આક્રમણના પ્રસંગને અનુલક્ષીને લખેલી સુંદર નવલકથાઓ વાંચવા જેવી છે. અલાઉદ્દીનના આક્રમણ પ્રસંગને મધ્યકાલીન કથાકાવ્ય ‘કાન્હડદે પ્રબંધમાં નિરૂપવામાં આવ્યો છે.

->   સોમનાથ પાટણ કે પ્રભાસપાટણના લિંગની ઉત્પત્તિ પૃથ્વીની ઉત્પત્તિ સાથે થઈ છે તેમ માનવામાં આવે છે. ઉપર જોયું તેમ આ મંદિર તોડી પાડવા માટેના જેટલા પ્રયત્નો થયા છે તે દરેક વાર તેનો જિર્ણોદ્ધાર કરી પુર્નરચના કરાયેલ છે એ સોમનાથનો મહિમા છે. વર્તમાન મંદિર આઝાદી પછી કહેવાય છે કે સરદાર પટેલની રાહબરી હેઠળ બંધાયેલ છે. હાલ મંદિરનું અગિયારમી વખત પુનઃનિર્માણ થયેલ છે એવી પ્રચલિત માન્યતા છે. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું “કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્દ્ભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

->   સોમનાથથી સાગરતટે ચાલતાં હિરણ નદીને સમુદ્રનો સંગમ આવે છે જે પવિત્ર ત્રિવેણીતીર્થ ગણાય છે. આ પણ પુરાણું શક્તિપીઠ તથા શ્રી શંકરાચાર્યનો મઠ પણ છે ને તેનાથી આગળ ચાલતાં દેહોત્સર્ગતીર્થ આવે છે. પ્રત્યેક ભારતીય માટે આ મહત્વનું સ્થાન ગણાય, કારણ કે આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે દેહત્યાગ કરેલોને તેમના દેહને અગ્નિસમર્પિત કરવામાં આવેલો. શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલાં ગોકુળ–વૃંદાવન–મથુરા-દ્વ્રારકા–કુરુક્ષેત્રનું જે મહત્વ છે તેટલું જ આ સ્થાનનું પણ ગણાય. અહીં કાંઠા પર સરસ મંદિરો છે અને શ્રી મુનશી વગેરેના પ્રયાસોથી સોમનાથથી અંહી સુધી સુંદર માર્ગ બનાવીને તેમ જ અહીં સ્મારક વગેરે રચીને આ સ્થળના વાતાવરણને અનુરૂપ ઉઠાવ આપવામાં આવ્યો છે. આ શાંત રમણીય સ્થળ હ્યદયમાં અપૂર્વ સંવેદનો જન્માવે છે....      


  


No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...