બુધવાર, 22 ઑગસ્ટ, 2018

મેંદી તે વાવી માળવે - 'રઢિયાળી રાત'

                                    !! માનેતીની આંખ !!


       ભોજાઈને સુંદર બનાવવા દિયરના મનોરથા હશે. પણ પ્રેમાળ નારી પોતાના કંથની ગેરહાજરીમાં મેંદી વડે હાથ રંગીને કોને દેખાડે ? સતીના શણગાર તો પતિને ખાતર જ હોય. પતિ સાંભર્યો. વિધવિધ બહાના આપી તેડાવ્યો. પણ ભાઈબહેનનાં લગ્નની કે માતાના મોતની એ યુદ્ધઘેલડા પરદેશીને બહુ તાણ નથી. છેલ્લા ખબર ફક્ત માનેતીને આંખો જ દુ:ખવાના પહોંચે છે. એટલે પછી તો એનું હૈયું હાથ રહેતું નથી. એ પાછો આવે છે.

               મેંદી તે વાવી માળવે, 
એનો રંગ ગિયો ગુજરાત 
                                        મેંદી રંગ લાગ્યો રે. 
              નાનો દેરીડો લાડકો ને, 
કાંઈ લાવ્યો મેંદીનો છોડ. - મેંદી રંગ લાગ્યો રે. 
               વાટી કુટીને ભર્યા વાટકા, 
ભાભી, રંગો તમારા હાથ. - મેંદી રંગ લાગ્યો રે. 
               હાથ રંગીને, દેરીરી શું રે કરું,
એનો જોનારો પરદેશ. - મેંદી રંગ લાગ્યો રે. 
               લાખ ટકા આલું રોકડા,
કોઈ જાવ જો દરિયાપાર. - મેંદી રંગ લાગ્યો રે. 
               શોક્યના સાયબાને જઈ એટલું કે'જો,
તારી બેની પરણે, ઘરે આવ્યા. - મેંદી રંગ લાગ્યો રે. 
               બેની પરણે તો ભલે પરણે,
એની ઝાઝા દી રોકજો જાન. - મેંદી રંગ લાગ્યો રે. 
               શોક્યના સાયબાને જઈ એટલું કે'જો,
તારો વીરો પરણે ઘરે આવ્ય.- મેંદી રંગ લાગ્યો રે. 
               વીરો પરણે તો ભલે પરણે, 
એની જાડેરી જોડજો જાન. - મેંદી રંગ લાગ્યો રે. 
               શોક્યના સાયબાને જઈ એટલું કે'જો,
તારી માડી મરે ઘરે આવ્ય. - મેંદી રંગ લાગ્યો રે. 
               માડી મરે તો ભલે મરે, 
એને બાળજો બોરડી હેઠ, - મેંદી રંગલાગ્યોરે. 
                શોક્યના સાયબાને જઈ એટલું કે'જો, 
તારી માનેતીની ઊઠી આંખ. - મેંદી રંગ લાગ્યો રે. 
               હાલો સિપાઈયો, હાલો ભાઈબંધીઓ, 
હવે હલકે બાંધો હથિયાર. - મેંદી રંગ લાગ્યો રે. 

                                                                       -  ( રઢિયાળી રાત'માંથી )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

📘 Internship Project Report કેવી રીતે લખશો અને ટાઈપિંગ કરશો – સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે લખવો – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન 🎓 કૉલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે – ઇન્ટર્નશિપ પ્રોજે...