Friday, August 17, 2018

પાવાગઢ – મહાકાળીનું મંદિર (Mahakali Maa Temple Pawagadh)


                             !! પાવાગઢ મહાકાળીનું મંદિર, ગુજરાત !!


 
      પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ પર્વત કાલિમાતાની યાત્રાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર! ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ! ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતીનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.


->    લોકકથા કહે છે કે પાવાગઢ પર જેનુ થાનક છે તે મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા ઊતર્યાં. છેલ્લા પતાઈ જયસિંહે તેમના પર કુર્દષ્ટિ કરીને દેવીએ તેને શાપ દીધો. પરિણામે થોડા જ સમયમાં ગુજરાતના–અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢ પર ચઢાઈ કરીને એ સરહદી ગઢ જીતી લીધો. પતાઈ હાર્યો–મરાયો. રાજદ્વ્રારી જરૂરિયાતથી બેગડાએ રાજધાની કેટલોક વખત અમદાવાદથી ચાંપાનેરમાં ખસેડી ચાંપાનેરને વિકસાવ્યું. ત્યાં અનેક સ્થાપત્યો બંધાવ્યા. આજેય ઠેરઠેર મળી આવતા અવશેષોથી ચાંપાનેરના નગર–વિસ્તારની અને તેની શોભા–સમૃદ્ધીની કલ્પના કરી શકાય છે.
 
->   પાવાગઢના શિખર પર કાલિકામાતાનું મંદિર છે. સાત મહેલ નામના ચૌહાણ રાજાઓના મહેલના અવશેષો અને સદનશાહ દરવાજે તેની તળેટીમાં આવેલા છે. તેની ખીણમાંથી વિશ્વમિત્રી નદી નીકળે છે. સદનશાહ દરવાજાથી આશરે ૧૦૦ મીટરની ઊંચાઈએ માંચી હવેલી આવેલી છે.


->   સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા આ ચાંપાનેરનું રત્ન હતા. પવાગઢ લગભગ ૮૦૦ મીટર ઊંચો પર્વત છે. તેના ઉચ્ચતમ શિખર પર માં મહાકાળીનું સ્થાનક–મંદિર છે. ગુજરાતમાં તો એક પાસ અંબાજી તેમ બીજી પાસ આ પાવાગઢવાળી કાલિકાનો ભારે મહિમા છે. ઉપર ચઢતાં અધવચ માંચી ગામની જગા આવે છે. ત્યાં સુધી બસ પણ જાય છે. ત્યાં રાવળના મહેલના અવશેષો છે. રેસ્ટહાઉસ છે. વિહારધામ અને નાની હોટેલો છે. તેની આગળ જતાં તેલિયું તળાવને તેથી ઉપર જતાં દૂધિયું તળાવ આવે. આ જગા વિશાળ છે. ૫૫૦ મીટરની ઊંચાઈએ ભદ્રકાળીનું મંદિર છે. અહીં સુધી જવા જવા માટે હવે રોપ–વે થયો છે. આ પછી સાંકડી સીધી ટોચ પર જવા માટે ૨૫૦ જેટલાં પગથિયાં ચઢવાં પડે. ઉપર મહાકાળીમંદિરને તેનેય માથે છે સદનશાહ પીરની દરગાહ.


->   પતાઈ રાવળની કહાણી પર અનેક વાર્તાઓ–નાટકો–ગરબા રચાયાં છે. પાવાગઢ અને પતાઈ રાવળના ઈતિહાસને દંતકથાથી અલગ તારવવો અઘરો છે. સંશોધકો તો ઈતિહાસ જ ઓળખે, પણ લોકસમુદાય તો પેલી દંતકથાને જ વાગોળે છે અને ગાય છે: ‘મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે!’   

!! જય માતાજી !!
 


No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...