Wednesday, August 22, 2018

અંબાજી મંદિર "શક્તિપીઠ" (Ambaaji Temple)


યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ  સંસ્થિતા 

       નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ નમો નમઃ’

 ->   મનુષ્ય યાત્રાઓ કરવા માટે એટલે જાય છે કે જેથી જે પરમ તત્વ અને ઈશ્વર સાથે તેનો થોડો ઘણો મેળાપ થાય. એ પરમ તત્વ અત્ર, તત્ર અને સર્વત્ર જોવા મળે છે. પરંતુ તેને ઓળખવા માટે આપણી પાસે એવા દિવ્ય ચક્ષુઓ નથી. એ આપણને આપણા આ પ્રજ્ઞાચક્ષુથી તેને ઓળખતા નથી એને માટે તો અંતરચક્ષુ ખોલવા જોઈએ. આ ચક્ષુ ખોલવા માટે જ શ્રદ્ધા ખોલવા માટે જ મનુષ્યમાત્ર યાત્રા કરવા માટે જાય છે. ગુજરાતમાં દરેક કુટુંબમાં કોઈને કોઈ દેવી કુળદેવી રૂપે પૂજાય છે. આપણા દેશમાં જેટલા ભગવાનો છે એટલે કે દેવો છે, લગભગ તેટલા પ્રમાણમાં દેવીઓ જોવા મળે છે. એમ વિષ્ણુ અને શિવની જેમ જ માતાની ભક્તિ પણ એટલી જ શ્રદ્ધા અને પ્રેમભાવપૂર્વક કરવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને બંગાળમાં દેવી ભક્તિ વિશેષ પ્રમાણમાં વધુ જોવામાં આવે છે. તેવી જ રીતે  મોટા પ્રમાણમાં તમને દેવી ભક્તો જોવા મળશે. શક્તિ દર્શન શૈવ દર્શન સાથે ગાઢ રીતે  સંકળાયેલું છે. ભગવાન શંકરાચાર્યના પરમ ગુરુ તંત્રવાદી સગુણ બ્રહ્યવાદની વ્યહારિક ભૂમિકા શક્તિવાદના તેઓ હિમાયતી હતાં. એવું તેમના ‘સૌંદર્ય લહરી નામના કાવ્ય ગ્રંથમાં આપણને જોવા મળે છે.

      અંબાજી:-
 
 નર્મદે ગુજરાતની ઉત્તર સરહદ દર્શાવતાં ગાયેલું:

       ‘ઉત્તરમાં અંબા માત...’


->    ગુજરાતની ઉત્તર સરહદે, અરવલ્લીની હારમાળાના સર્વોત્તુગ શિખર અર્બુદગિરિ–આબુની બાજુનો ડુંગર આરાસુર એ ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક અંબાજી. ગુજરાતનાં અને ભારતનાં પણ પ્રસિદ્ધ માતૃતીર્થોમાંનું મહત્વનું આ શક્તિપીઠ છે.

   આરાસુરી અંબાજી એટલે ગુજરાતની બધી જ કોમના માતાભક્તોનું પરમ શ્રદ્ધા – કેન્દ્ર. જેમ પૂર્વમાં પાવાગઢનાં મહાકાળી તેમ ઉત્તરમાં આરાસુરનાં અંબાજી. બ્રાહ્યણ, વણિક, પટેલ જેવી અનેક કોમો ઉપરાંત જૈનો પણ અંબાજીને ભજે, બાધાઓ રાખે, યાત્રાએ આવે, એટલે અંબાજીમાં અનેક ધર્મશાળાઓ છતાં હંમેશાં ભીડ રહે.

->  વર્ષો પહેલાં જેણે અંબાજી જોયું હોય તે તો આજનું અંબાજી જોઈ આશ્ચર્યમુગ્ધ બને. મંદિરનું મૂળ સ્થાનક યથાતથ રાખીને આસપાસની વિશાળ જગ્યાને તો આરસે મઢાઈ ગઈ છે. મુખ્ય રસ્તા પરથી મંદિરમાં જવાનો સીધો માર્ગ છે. આગળ છે માતાનાં ભાવ-દર્શન થઈ શકે છે.
                                   
-> પાલનપુરથી લગભગ પચાસ કિલોમીટરે ડુંગરાઓમાં આવેલ અંબાજી એટલે મંદિરની આસપાસ વસેલું ગામ. મંદિરને કારણે આવતાં યાત્રાળુઓની સવલતો અને માતાનાં પૂજાપ્રસાદ તથા નાનીમોટી ચીજોનું ત્યાં બજાર. ઉપરાંત આસપાસનાં જંગલોની પેદાશ–લાખ, ખેર, મધ, મીણ, ગૂગળ વગેરેનું અને લાકડાનું પણ ત્યાં બજાર. વળી, ‘આરાસુર નામને અનુરૂપ આરસની તે ઘણી ખાણો અને તેના પથ્થરનો મોટો ઉદ્યોગ. તાંબુ પણ નજીકમાંથી નીકળે છે એટલે એ સ્થળની આસપાસના વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. અલબત્ત જંગલો કપાતાં જાય છે ને ડુંગરો ઉઘાડા થતા જાય છે.
 
->  અંબાજીની નજીકની ટેકરી ગબ્બર પણ માતાજીનું સ્થાનક, એટલે યાત્રાળુઓ એનું કપરું ચઢાણ પણ ચઢે. હવે તો યાત્રિકોની સુવિધા માટે રોપ-વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

->  અંબાજીમાં મુખ્ય કેન્દ્ર તો અંબાજીનું મંદિર જ. પુરાણા મંદિરમાં માતાજીનું સ્થાનક. એના પર માના શણગાર થાયને ચૂંદડીઓ ચઢે. બાજુમાં માનસરોવરના કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે–બાધા છોડે. મંદિરની આગળના ભાગમાં ચાચર ચોક–ત્યાં ગરબા ગવાય, ભવાઈ રમાય. નવરાત્રિમાં તસુ જગા ન મળે એવી ભારે ભીડ જામે. હવામાં ‘જય અંબેનો નાદ ઘેરાય. વાતાવરણ કંકુવરણું થઈ જાય એવો અહીં મેળો ભરાય. અહીં હવે યાત્રીઓ માટે નવીનવી સવલતોવાળી ઘણી રહેઠાણની વ્યવસ્થાઓ થઈ છે. મંદિરના ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓની સવલત માટે ભોજનશાળાઓ પણ ચાલે છે.

->  મંદિર પુરાણું. અંદરના ગર્ભગૃહમાં માતાનો ગોખ. તેમાં સ્થનાક–મૂર્તિ નહીં. તે પછી મોટા થાંભલાવાળો સભાખંડ. સભાખંડમાં દર્શન કરીએ તો મૂર્તિ નહીં, છતાં વસ્ત્રો–અલંકારોની ગોઠવણીને કારણે સ્વરૂપદર્શન કર્યાનો ભાસ થાય. અંદર મંડપના દ્વારમાં સંવત ૧૬૦૧નો લેખ પણ છે.

->  અત્યારે આ મંદિરનો જીણોધ્દ્વાર થઈ ગયો છે. પુરાણા સ્થાનને અને ગોખને જાળવીને, બાકીનું મંદિર નવેસરથી બંધાઈ ગયું છે ને અતિભવ્ય દેવાલયનું નિર્માણ થઈ ગયું છે. ડુંગરાઓ વચ્ચે આવેલા આ ભવ્ય દેવાલયનો પ્રભાવ ખૂબ આકર્ષક બન્યો છે. લોકશ્રદ્ધા જાણે ભવ્ય આકારમાં મૂર્તિમંત થઈ છે. ડાકોરના રણછોડરાયજી મંદિર, શામળાજીના ગદાધર–મંદિરને સોમનાથના શિવાલયની જેમ એક ભવ્ય દેવાલયનું ગુજરાતની ધરતી પર નિર્માણ થયું છે. અત્યારે તો આપણે સૌ સાથે ‘જય અંબે’નો નાદ ગજાવીએ.

No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...