Monday, July 30, 2018

રાણીની વાવ - પાટણ (UNESCO World Heritage site)


                          
          
        ભારતીય સંસ્કૃતિમાં માનવજીવનના દરેક પાસાઓની ચર્ચા કરવામાં આવી છે તેમાં માનવજીવનની સગવડો સાથે જ કલાને વણી લેવામાં આવી છે. પાણી માનવજીવનના વિકાસ માટે ખૂબ જરૂરી હોવાથી પ્રાચીનકાળથી માનવ વસાહતોનો વિકાસ નદીના કિનારે જ થતો રહ્યો છે. તેથી પ્રાચીકાળમાં જળાશયો મુખ્ય રસ્તાને કાંઠે માનવની જરૂરિયાતને લક્ષમાં રાખીને બાંધ્ય છે. ગુજરાત અને સૌરાસ્ટ્રમાં આવા અસંખ્ય જળાશયો, તળાવો, કુંડ, કૂવા અને વાવો આવેલા છે તેમાં અડાલજની વાવ, બનાસકાંઠામાં વાયડની વાવ, ધાંધલપુરની વાવ, કંકાસાની વાવ, ચોબારીની વાવ, વિક્રિય વાવ, ખેંગાર વાવ, અડિકડી વાવ, વગેરે વાવો આવેલી છે. અહીં આપણે પાટણની રાણીની વાવનો પરિચય મેળવીશું. 

        ઐતિહાસિક સ્મારકવાળા જોવાલાયક સ્થળો, પ્રાચીન વસ્તુઓ તેમજ વ્યક્તિઓ પાછળ તેને લગતો નાનો-મોટો ઇતિહાસ કોઈકને કોઈક રીતે કાંતો દંતકથા, વાતોગાથા યા કાવ્ય સ્વરૂપે અપાયેલા કે આલેખાયેલા હોય છે, જે લોકસ્મૃતિમાં પ્રચાર, પ્રસાર પામી જનસમાજમાં, પોતાના પ્રદેશ વિસ્તારમાં પોતાની વિશિષ્ટતા જાળવી રહેવાને કારણે જે તે સ્થળની પ્રજા ગૌરવ અનુભવતી હોય છે. અને તે પ્રમાણે છસો વર્ષ સુધી ગુજરાતની રાજધાની તરીકે પ્રખ્યાત પામી ચૂકેલ પાટણમાં મહારાણી ઉદયમતીજીની વાવના અજોડ, બેનમૂન કલાત્મક જળસ્થાન જાળવી રાખેલું છે.

        આ વાવ ગુજરાત રાજ્યના પાટણ જીલ્લામાં પાટણ ખાતે જ આવેલી છે. આ વાવ લગભગ ૧૧મી સદીમાં સોલંકી યુગમાં બંધાયેલી ભવ્ય વાવ ખોદકામ કરતાં બહાર આવી છે. જે પાટણ એકકાલે સોલંકી રાજ્યની રાજધાની અણહિલપુર પાટણના નામે ઓળખાતું હતું. ગુજરાત નામ પ્રચારમાં આવ્યું તે સમયથી એનું પ્રથમ રીતસરનું પાટનગર તો અણહિલવાડ પાટણ જ ઘણી શકાય. વીર વનરાજ ચાવડાએ સંવત ૮૦૨ના વૈશાખ-સુદ-૨ના રોજ તેની રાજધાની માટે નવું નાગર વસાવ્યું અને પોતાના મિત્ર અણહિલ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ “અણહિલપુર પાટણ” રાખ્યું. આ નાગર ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના પાટનગર તરીખે પ્રખ્યાત છે. સંવત ૮૦૨થી સંવત ૧૩૫૬ (સને ૭૪૬ થી સને ૧૩૦૦) પર્યંન્ત એટલે સાડા પાંચસો વર્ષ સુધી પાટણ એ ગુજરાતની રાજધાની હતું. આ ગાળામાં બસો વર્ષ ચાવડા વંશે, ત્રણસો વર્ષ સોલંકી અંશે અને આશરે છપ્પન વર્ષ વાઘેલા વંશે ગુજરાત પર શાસન કર્યું.

        ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસમાં સોલંકી વંશને સુવર્ણયુગ” કહેવામા આવે છે. આ સમય દરમ્યાન પાટણ ફક્ત ગુજરાતમાં જ નહી, પરંતુ સમસ્ત ભારતમાં સતા, સમૃદ્ધિ, સ્થાપત્ય અને સાહિત્યની પરાકાષ્ટાએ પહોંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.

        સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્વરાજ, કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ થઈ ગયા. એજ રીતે મૃણાલ, ઉદયમતિ જેવી મહાન સામ્રાજ્ઞિઓ, મુંજાલ, દામોદર, ઉદયન, વસ્તુપાળ, તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ, શ્રીપાલ, શ્રી હેમચંદ્રાચાર્ય, સોમેશ્વર જેવા પ્રકાંડ પંડિતો થઈ ગયા. અને પાટણની ચૌલદેવી જેવી વારંગનાઓ પણ મહાન હતી. સોલંકીયુગના બાર રાજવીઓ પૈકી છ રાજવીઓએ પોતાની વૃદ્રાવસ્થામાં રાજયછતાનો મોહ છોડી પોતાના આત્માના ઉદ્વાર માટે સંસાર છોડયો હતો. આ રાજાઓ મુગટધારીમાથી કંથાધારી બન્યા હતા. સ્વેચ્છાએ સતા છોડી હોય એવા એક સમય છ સમ્રાટોનો ત્યાગ વિશ્વમાં અજોડ ગણાય છે.

        આ સુવર્ણયુગના સમ્રાટો પૈકી ભીમદેવ ૧લાનો શાસનકાળ ૧૦૭૮થી સં. ૧૧૨૦ એમ ૪૨ વર્ષનો હતો. ભીમદેવના રાજયમાં કળા તેમજ વિધ્યાને ઉતેજન મળતું હતું. તેના રાજ્યકાળ દરમ્યાન મોઢેરાનું સુપ્રસિદ્વ સૂર્યમંદિર, ભીમેશ્વર મહાદેવનું શિવાલય, ભટ્ટારિકા દેવીપ્રસાદ તથા તેના મંત્રી વિમલે આબુપર્વત પર આરસનું આદિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય જે આજે પણ અદ્રિતિયા ગણાય છે. 

        ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ રાજા ભીમદેવના અવસાન બાદ પોતાના પતિની યાદમાં “રાણકીવાવ” બંધાવી હતી. “રાણીનીવાવ” અથવા “રાણી ઉદયમતિની વાવ” લોકમુખે “રાણકીવાવ” તરીકે વધુ સુવિખ્યાત છે. પાટણ ગામથી ૨. કી.મી. દૂર આ રાણીનીવાવ છે. આ વાવ ઇ.સં. ૧૯૭૦ આસપાસના સમય સુધી ધરતીમાં દટાયેલી હતી. માત્ર તેનો થોડોક ભાગ જ દેખાતો હતો. કદાચ કોઈ કાળે આક્રામણખોરોથી બચાવવાં માટે તેને માટી નાખીને આખી પૂરી દેવાઈ હશે. જેનું પછી ઉત્ખનન કરતાં જેમાં જે માટી પૂરી દેવામાં આવી હતી તે કાઢતા જાણે કે હજુ ગઈ કાલે જ બની હોય તેવી શિલ્પોથી ખીચોખીચ ભરેલી આખી વાવ મળી. તે ગુજરાતની તમામ વાવોમાં સૌથી સુંદર સર્વોતમ કોતરણીવાળી વાવ છે. 

        આ વાવ હમણાં જ મળી આવેલી હોવાથી ઇ.સં. ૧૯૭૦ પહેલાના ઇતિહાસના ગ્રંથોમાં આ વાવ બાબતે પાંચ-છ લિટીથી વધારે વર્ણન નથી. રાણીનીવાવ માટે કહેવામા આવતું કે, “રાણકીવાવને દામોદર કૂવો જેણે ણ જોયા તે જીવતી મુઓ” આ બન્ને સ્થળો માનવકળા ઉપર આશ્વર્ય પમાડે તેવા હોવાથી કહેવાતું કે જો માનવ આવતર મળ્યો હોય અને આ કલાને શિલ્પના કાવ્યને જોવા માટે માનવ સમય ણ કાઢે તો તે જીવતે જીવ લાશ જેવો જ કહેવાય !

        રાણીનીવાવ જોઈને જરૂર કોઈ કલા રસિક અને કવિને તેના હદયમાં કાવ્ય સ્ફુરે એવિ તે મનોહર છે ! સ્વ. નરસિંહરાવ દિવેટિયાને સહસ્ત્રલિંગ તળાવ ઉપર પાટણ નામનું કાવ્ય સર્જવાની પ્રેરણા જાગી હતી. તે કાવ્યમાં તેમણે સતત ગુજરાતનાં હદયને પોતાની માતૃભૂમિ માટે અભિમાન અને શોકની લાગણી કરાવી હતી.

        “વાવ” એટલે વાપીયાને પગથીય વાળો કૂવો કેટલીક વાવોમાં ઉતરવાના પગથીય ચારે બાજુ હોય છે. જેને કૂંડ પણ કહેવાય છે. કેટલીક વાવોને બે બાજુ કે એક જ બાજુથી નીચે ઉતરવાના પગથીય હોય છે. સામાન્ય રીતે વાસ્તુશિલ્પમાં (૧) નંદા (૨) ભદ્રા (૩) જયા અને (૪) વિજયા એમ ચાર પ્રકારની વાવો ગણાવી છે. પ્રવેશદ્વાર અને માળ ઉપરથી તેનો પ્રકાર નક્કી થાય છે. રાણકીવાવ જયા અથવા વિજયા પ્રાકરની ઘણી શકાય. રાણકીવાવ સાતમાળની ભવ્ય વાવ હતી. પૂર્વ તરફ એનું પ્રવેશદ્વાર છે અને પશ્વિમે વાવનો વિશાળ કૂવો છે. સિદ્વરાજ જયસિંહે બંધાવેલ સહસ્ત્રલિંગ સરોવર પહેલા આશરે સો વર્ષ પૂર્વે રાણી ઉદયમતિએ આ વાવ બંધાવી હતી. ઉપરના બે માળ તુટી ગયેલા હોય હાલ માત્ર પાંચ માળ દેખાય છે. આ આખી વાવ તેની દિવાલો, થાંભલા, બારશાખ, કૂવાની દિવાલો એમ સમગ્ર જગ્યા ભવ્ય કોતરણીકામથી ભરપૂર છે. “વાવ” સામાન્ય રીતે પાણીના સંગ્રહ માટે તેમજ નગરજનો અને વાટેમાર્ગુઓ પીવાના પાણીની સગવડ માટે હોય છે. પણ રાણકીવાવની સ્થાપના કલા, પથ્થરમાં કંડારાયેલા સેંકડો મૂર્તિઓ જોતાં લાગે છે કે, આ વાવ કલાકારીગરીને ઉતેજન આપવા માટે પણ બંધાયેલી છે. વાવ પૂર્વ-પશ્વિમ ૨૧૨ ફૂટ લાંબી અને ઉતર-દક્ષિણ પહોળાઈ ૬૫ ફૂટ છે. વાવણી ઊંચાઈ ૮૧ ફૂટ જેટલી છે. વાવ બંધાયા પછી બે-ત્રણ દાયકામાં જ વિનાશકારી સરસ્વતી નદીના પુરાણા કારણે આખી વાવ ધરતીમાં સમાઈ ગઈ હોય એમ જણાય છે. વર્ષો સુધી વાવનો કૂવો જ દેખાતો હતો. આશરે પંદરેક વર્ષ અગાઉ પુરાતત્વ ખાતાએ એનું ઉત્ખનન કર્યું. રાખમાંથી ફિનિક્ષ પક્ષી બેઠું થાય એમ જમીનમાં ધરખાયેલું, દુનિયાની બેનમૂન સ્થાપત્ય બાહાર આવ્યું. રાણકીવાવ અને તેની બાજુનો દામોદર કૂવો એ કલાકારીગરીના એવા ઉતમ નમૂના હતા કે એને નજરે જોવા એ જીંદગીનો મહામૂળો લ્હાવો ગણાય. માટે જ કહેવાયું છે કે. “રાણકીવાવ અને દામોદર કૂવો ના જોયો એ જીવતો મુઓ” રાણકીવાવમાં કંડારાયેલ મૂર્તિઓ તથા ઈતર કોતકામ જેણે જોયું નથી એ જીવતા મરેલા બરાબર છે ! આ વાવો જે તે સમયની આર્થિક પરિસ્થિતી અને ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે.

વાવમાં કંડારાયેલા દશાવતારો :

        દરેક વાવમાં દશાવતારનો પટ્ટ હોય છે. અન્ય વાવોમાં ગવાક્ષો ઉપર નાના-નાના દશાવતારો કંડારેલા હોય છે જયારે અંહી મોટા ગવાક્ષોમાં ત્રણ-ત્રણ ફૂટની દશાવતારોમાં (૧) મત્સ્યા અવતાર અને (૨) કુર્મ અવતાર બાકાત રાખવાં આવ્યા છે એટલે કે સ્વતંત્ર પ્રતિમાઓ તો નથી પણ અન્ય અવતારોની પ્રતિમાના પરિક્રમાં ફરતી બાજુ અન્ય અવતારો કંડારાયેલા છે, તેમાં પણ એ બે અવતારો બાકાત રાખ્યા. 

(૧) વરાહ અવતાર :
        વાવની દક્ષિણ દીવાલના ગવાક્ષમાં વરાહની ત્રણ ફૂટ ઊંચી અને અઢી ફૂટ જેટલી પહોળી પ્રતિમા કંડારાયેલી છે. અન્ય પ્રતિમાઓ પણ એવડા જ માપની છે. આ પ્રતિમાને ફરતું પરિકર છે જેમાં વામન, બલરામ, રામ, પરશુરામ, નરસિંહ, બૃદ્વ અને કલ્કિ વગેરે અવતારો બતાવેલ છે. તેનું મુખ વરાહનું છે. વરાહને ચાર હાથ છે જેમાં એક હાથમાં શંખ પકડેલો છે અને તે જ હાથની કોણી ઉપર સમુદ્રામાં ડૂબી ગયેલી પૃથ્વીદેવી બેઠેલી છે. જ્યારે વરાહનો ડાબો પગ પદ્મપિંઠ ઉપર મૂકેલો છે. તેની નીચે સામ-સામા મોઢા રાખીને હાથ જોડીને નણયુગલ બેઠેલું જણાય છે.

(૨) નરસિંહ અવતાર :
     આ શિલ્પ થોડું ખંડિત થયેલું છે. આમાં નરસિંહને બે હાથથી હિરણ્યક શિસુને મારતા બતાવ્યો છે. જયારે અસુરને પગે દબાવીને પેટ ચીરતાં બતાવ્યા છે. આ મૂર્તિના પરિકરમાં અન્ય અવતારો બંને  બાજુ કોતરાયેલા છે.

(૩) વામન અવતાર :
        વામનને વામન સ્વરૂપના ત્રિભંગમાં ઉભેલા બતાવ્યા છે. માથા ઉપર વાંકડિયા વાળ બટાવાયા છે. ડાબા હાથમાં છત્ર ધારણ કરેલ છે. બન્ને પગ પાસે બે પુરુષો ઉભેલા બતાવ્યા છે. આ મૂર્તિના ફરતાં પરિસરમાં અન્ય અવતારો છે.
(૪) પરશુરામ :
        પરશુરામની પ્રતિમાના ચારેય હાથમાં કોઈને કોઈ આયુધ છે. જમણી બાજુના હાથમાં બાણ અને ખડગ છે. જયારે ડાબી બાજુના બે હાથમાં ખેટક અને ધનુષ ધારણ કરેલ છે. જ્યારે પગમાં બન્ને બાજુ યુગલ ઉભેલા છે. મુર્તિના પરિકરમાં અન્ય અવતારો છે.

(૫) બલરામ :
        બલરામ પણ અન્ય અવતારોની જેમ આભૂષણોથી લદાયેલા છે. બલરામના કલાત્મક મુગટ ઉપર ત્રણ નાગ છાંયો રાખી રહ્યા હોય તે રીતે ફેણ ચડાવેલ છે. બલરામના હાથમાં હળ, દંડ અને લાડવા જેવુ જે હાથમાં છે, તેને બીજપુરક કહે છે. ચોથા હાથની વસ્તુ ઓળખાતી નથી. બલરામના પગમાં બન્ને બાજુ બે માનવો કંડારાયેલા છે. જેમાનાં એકના હાથમાં પણ હળ છે. બલરામની કેડે એક કોઈ માનવ આકૃતિ લટકી રહી છે. તેને ઓળખી શકાઈ નથી.

(૬) રામ : 
        બલરામની બાજુના ગવાક્ષમાં રામનું શિલ્પ છે. જેના ચાર હાથમાં પરશુ, બાણ, ધનુષ અને માતૃલિંગ એમ એક વસ્તુ દેખાય છે. રામના પગ પાસે બન્ને બાજુ યુગલ ઊભા છે.

(૭) બુદ્ધ :
        બુદ્ધ અને વામનના શિલ્પામાં થોડું સામ્ય જોવા મળે છે. બુદ્ધના મુખમાં સૌમ્ય ભાવ દેખાય છે. મસ્તકે વાંકડિયા વાળ તથા સ્કંધ સુધી લટકતી કાનની બુટ અને મુખ પર સૌમ્ય ભાવ આકર્ષક છે. કેડની બન્ને બાજુ સ્ત્રી-પુરુષની આકૃતિ અંજલિ-મુદ્રામાં બેઠેલ છે. પગ પાસે જમણી બાજુ અનુચર યુગલ અને ડાબી બાજુ સાધુની આકૃતિ જોઈ શકાય છે. 
 
(૮) કલ્કિ :
        દશાવતારમાંના છેલ્લા કલ્કિની પ્રતિમા પણ છે. જેમાં કલ્કિ ઘોડા ઉપર સવાર થયેલા છે. માથા ઉપર મુંગટ, પગ પેગડામાં હોલબુટ પહેરેલો છે. કેડે જમૈયો લટકાવેલો છે. ચાર હાથ છે, તેમાં ખડગ, ગદા, ચક્ર અને મધપાત્ર ધારણ કરેલા છે. જે પાત્રમાં ઘોડા પાછળ ઊભેલી સ્ત્રી સુરાઈમાંથી મધ રેડતી બતાવી છે. કલ્કિની પાછળ બે સ્ત્રીઓ ઊભેલી છે. જેમાં એક ચામર ઢોળે છે. જ્યારે બીજી માથે માત્ર છત્ર ટેકવીને ઊભી છે. ઘોડાનો સુંદર સામાન, શણગાર દેખાય છે. ઘોડાનો અગલો ડાબો પગ તેની નીચે વાંકી વળેલી સ્ત્રીના માથા ઉપર મૂકેલો છે, જ્યારે એક સ્ત્રી ઘોડાના પાછલા બે પગ વચ્ચે સૂતેલી છે. એક સ્ત્રી વચ્ચે કલ્કિના પેંગડામાં મૂકેલા પગ નીચે ટેકો આપી રહી છે. આ મૂર્તિના પરિકરમાં દશાવતારોના ફરતા શિલ્પ નથી કોતરવામાં આવ્યા, પણ તેની જગ્યાએ માતૃકાના શિલ્પો જણાય છે.
            
દેવીઓના શિલ્પો :
        રાણીનીવાવ અસંખ્ય શિલ્પોથી ખીચોખીચ ભરેલી છે કે બધા હિન્દુ દેવદેવીઓ અહી સ્થાન પામ્યાં હોવાથી મૂર્તિવિધાનનો અભ્યાસ કરનાર વિધાર્થીને લગભગ બધા જ નમુનાઓ અહીથી બતાવી શકાય તેમ છે.

સરસ્વતી :
        સરસ્વતીની સમપાદમ ઊભેલી સપરિકર પ્રતિમા ત્રીજી મજલાની પૂર્વ બાજુના પડથારના એક ગવાક્ષમાં છે. દેવીનું આખું શરીર આભૂષણોથી લદાયેલું છે. દેવીને ચાર હાથ છે જેમાં એક હાથ વરમુદ્રામાં, બીજામાં અક્ષમાલા, વીણા અને કમંડલુ છે.

ગૌરી :
        પશ્વિમ તરફના પડથારમાં ગવાક્ષમાં સ્થિત પાર્વતીની પંચગ્નિ તપ સ્વરૂપની સપરિકર પ્રતિમા છે. દેવી ડાબા પગ ઉપર ઉભેલા છે.

લક્ષ્મી :
        વાવના દક્ષિણ દિશાના ઉપરથી ત્રીજા મજલાની દાબી બાજુના મદ્ય ગવાક્ષમ લક્ષ્મીની એક અતિસુંદર પ્રતિમા આવેલી છે.

મહીસાસુરમર્દીની :
        વાવના પૂર્વ તરફના પડથારમાં એક ગવાક્ષમાં સપરિકર મહીસાસુરમર્દીનીની વીસ ભુજાવાળી મનોહર પ્રતિમા આવેલી છે. અહી દેવી મહિષની પીઠ પર જમણો પગ મૂકીને આલીદ્ધાસનમાં ઉભેલા છે. દેવીના મસ્તકે ત્રિકુટ મુકુટ ધારણ કરેલ છે.

બ્રહ્મા–સાવિત્રી :
        વાવની ઉપરની દીવાલમાં બ્રહ્મા-સાવિત્રિની યુગલ સ્વરૂપની પ્રતિમા છે. બ્રહ્મા દાઢીવાળા ત્રણ મસ્તકના બનાવ્યા છે. આ પ્રતિમામાં બ્રહ્માનું વાહન હંસ પણ દેખાય છે.

ઉમા–મહેશ્વર :
        વાવના ચોથા પડથારના ગવાક્ષમાં ઉમા-મહેશ્વરની પ્રતિમા છે. આ ગવાક્ષની બન્ને બાજુ સુંદર અપ્સરાઓનુ વીણા વગાડતું શિલ્પ છે.

લક્ષ્મી-નારાયણ :
        ચાર હાથવાળા લક્ષ્મી-નારાયણનું યુગલ શિલ્પ છે. લક્ષ્મી અલંકારોથી લદાયેલા અને નારાયણને આલિંગન આપતા બતાવ્યાં છે.

શક્તિ-ગણેશ :
        અન્ય ગવાક્ષોમાં શક્તિ-ગણેશ, માહાલક્ષ્મી અને કુબેર યુગલની પ્રતિમાઓ છે. ગણેશના ચાર હાથમાં દંત, પરશુ, પડમ અને ચોથા હાથે દેવીને આલિંગન આપે છે. આસન પાસે મોદકના પાત્રમાં મૂષક (ઉંદર)ને લાડુ આરોગતો બતાવ્યો છે, જ્યારે કુબેરને તેની પત્ની સાથે બતાવ્યા છે. આસન આગળ તેનું વાહન હાથી છે. કુબેરના હાથમાં દ્રવ્યની થેલી પણ દેખાય છે. આમ વાવમાં આ પાંચ જેટલી યુગલ પ્રતિમાઓ છે. 

નર્તકીઓ :
        આ વાવમાં દેવી-દેવતાઓ, પશુ-પક્ષીઓ સાથે જે ગવાક્ષોમાં મોટી મૂર્તિઓ મૂકવામાં આવી છે. તે બે ગવાક્ષો વચ્ચેના કલાત્મક પિલરોની અંદર સુંદર નમણી નર્તકીઓ કોતરવામાં આવી છે, જે દરેક નર્તકીઓના સુડોળ અંગોમાં લાવણ્ય સાથે લજ્જાના પણ દર્શન થાય છે. જાણે કે પથ્થરમાં કારીગરે પ્રાણ પુરીને આ શિલ્પોને અપ્સરા બનાવી દીધી, જે નર્તકીઓમાં કોઈ પ્રસાધનમાં વ્યસ્ત છે તો કોઈ નૃત્યની તૈયારી કરી રહી છે. કોઈ તૈયાર થયા પછી અરિસામાં પોતાનું મુખ નિહાળી રહી છે. અમુકને પાળેલા પશુઓ સાથે રમતી બતાવાઈ છે. એક નર્તકીને પગમાંથી કાંટો કાઢતી બતાવાઈ છે. કોઈને પ્રેમીની રાહ જોતાં ભાવવાળી કારીગરે આ ભાવોને પથ્થરમાં પૂરવા કોણ જાણે કેટલો પરિશ્રમ કરીને તૈયાર કરી હશે કે એ યુગની આપણને મહાન દેણગી મળી છે. આ વાવનો સમય અગિયારમી સદીનો માનવામાં આવે છે. 

                                                                                     - ભાભોર સમેશ ટી.

   
            
       
           
       
              



No comments:

Post a Comment

એમ.એડ્ સેમ-૪ (પેપર-૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ)

  એમ.એડ્ સેમ-૪ (૪૦૧)ના ટૂંકા પ્રશ્નો (એજ્યુકેશન જીસેટ/નેટ) Department of Education Paper Number : 401   ૧. વેદકાલીન શિક્ષણ વ્યવસ...